ગરબા, નવરાત્રી અને ‘વિવેક’: ‘મલ્લા માતા’ની નિર્દોષ ભક્તિથી આજના ગ્લેમર સુધીનું આત્મનિરીક્ષણ
ગુજરાતમાં હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. યુનેસ્કો (UNESCO) દ્વારા ગુજરાતના ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ તરીકે સ્વીકારવામાં આવ્યા બાદ ગરબાની ખ્યાતિ સાત સમંદર પાર પહોંચી છે. પરંતુ આ ઉત્સાહની વચ્ચે સોશિયલ મીડિયા પર એક સંવેદનશીલ ચર્ચા ચાલી રહી છે એક તરફ પાર્ટી પ્લોટના આયોજનોમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ અને મંચ પરથી થતી જાહેરાતો છે, તો બીજી તરફ લોકપ્રિય ગાયકો અને કલાકારોનો એવો સૂર છે કે "સંગીત અને ગરબા તો સૌના છે, તેમાં ભેદભાવ ન હોય."
આ બંને છેડાની ચર્ચાઓ વચ્ચે પ્રશ્ન થાય કે આપણી દિશા કઈ હોવી જોઈએ? આ પ્રશ્નનો જવાબ કોઈ રાજકીય વિવાદમાં નહીં, પરંતુ આપણી સંસ્કૃતિના મૂળ અને ‘સ્વવિવેક’માં છુપાયેલો છે.
૧. કલાની વૈશ્વિકતા અને ઉપાસનાની મર્યાદા
‘ગરબો’ શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યો છે. માટીના છિદ્રોવાળા ઘડામાં પ્રજ્વલિત દીવો એ જગતજનની મા અંબાની શક્તિનું પ્રતીક છે, અને તેની ફરતે ફરવું એ માતાજીની પ્રદક્ષિણા છે.
જ્યારે કોઈ કલાકાર કહે છે કે "સંગીત અને કલા સૌના માટે છે", ત્યારે ભારતીય સંસ્કૃતિના ‘વસુધૈવ કુટુંબકમ્’ના ભાવથી તે વાત સાચી લાગે. પરંતુ અહીં ‘વિવેકબુદ્ધિ’ એ સમજવામાં છે કે સંગીત સાર્વત્રિક હોય, પણ ઉપાસના લક્ષી સંગીતને મર્યાદા હોય છે, રાષ્ટ્ર લક્ષી સંગીતને મર્યાદા હોય છે, જે ભાવ સાથે સંકળાયેલ છે, નથી કોઈ કોન્સર્ટ કે ક્લબ માં ગવાતું. (એટલે જ ખલાસી અને માં તારો ગરબોમાં સંગીત વ્યાપક હોય પણ, ખલાસીને મર્યાદા ન લાગે અને માં તારો ગરબો જો મર્યાદા બહાર જાય તો તેની ઉપેક્ષા થઈ જાય છે. મ્યુઝિક કોન્સર્ટમાં ગવાતું ગીત અને ચાચર ચોકમાં ગવાતી માતાજીની સ્તુતિ વચ્ચે ભેદ છે. મંદિરના ગર્ભગૃહ કે ચાચર ચોકમાં પ્રવેશનો પહેલો નિયમ ‘શ્રદ્ધા’ અને ‘પવિત્રતા’ જ હોય. જો આયોજકો નવરાત્રીને કરોડો રૂપિયાનો VIP વેપાર બનાવવાને બદલે પહેલેથી જ ઉપાસનાની ગરિમા જાળવે, તો ચાલુ કાર્યક્રમે માઈક પરથી જાહેરાતો કરીને વિવાદ ઊભો કરવાની નોબત જ ન આવે.
૨. ‘મલ્લા માતા’, માંડવીનો શણગાર અને આરતીનું વિસરાતું મહત્વ
આજે પાર્ટી પ્લોટમાં વિવાદો કેમ થાય છે? કારણ કે આપણે ઉત્સવના ‘સાધક’ મટીને પાસ ખરીદનારા ‘ગ્રાહક’ બની ગયા છીએ.
જરા યાદ કરો આપણી પોળો અને શેરીઓની એ સાચી પરંપરા—જ્યાં નવરાત્રીના દિવસો પહેલાં જ બાળકો અને યુવાનો ભેગા મળીને માટી, ઈંટો અને રંગબેરંગી કાગળથી ‘મલ્લા માતા’નો ગોખલો/વર્તુળ બનાવતા. "મલ્લા માતાનો ચંદો" ઉઘરાવીને આખી શેરીના લોકો પોતાના હાથે તોરણો બાંધતા, માંડવી સજાવતા અને માટીનો ગરબો રંગતા. આ શણગારમાં જોડાવા પાછળનું મહત્વ એ હતું કે જ્યારે તમારા પોતાના હાથનો પરિશ્રમ અને ભાવ માતાજીના સ્થાનકમાં લાગેલો હોય, ત્યારે તે જગ્યા આપોઆપ મંદિર બની જાય છે.
એ જ રીતે, પહેલાં ‘આરતી’ એ ગરબાના કાર્યક્રમની વચ્ચે આવતી કોઈ ઔપચારિકતા નહોતી, પણ આખી રાતનો પ્રાણ હતી. આરતીના સમયે આખો મહોલ્લો, આખી શેરી હાથ જોડીને ઊભો રહેતો, દીવાની જ્યોત સામે મન પવિત્ર થતું અને ત્યાર પછી જ ગરબાના વર્તુળમાં પગ મુકાતો. ઘણા પ્રસંગો યાદ આવે કે જેમાં, ઘણા વડીલો ગરબામાં ભાગ લે કે ન લે, આરતી સમયે ચોક્કસ હાજર હોય જ. આજે ઘણા કોમર્શિયલ મેદાનોમાં આરતી થતી હોય ત્યારે ખેલૈયાઓ પાર્કિંગમાં કે ફોટોશૂટમાં વ્યસ્ત હોય છે અહીંથી જ સંસ્કૃતિનું પતન શરૂ થાય છે.
૩. ‘શણગાર’ અને ‘ગ્લેમર શો’ વચ્ચેનો વિવેક
પવિત્રતાની વાત માત્ર બહારના નિયમો પૂરતી સીમિત ન હોઈ શકે; તે આપણા પોતાના આત્મનિરીક્ષણનો પણ વિષય છે. આપણા પૂર્વજોએ પેઢીઓથી જે સંસ્કૃતિનું જતન કર્યું છે, તેમાં પરંપરાગત વેશભૂષા ચણિયાચોળી અને કેડિયા એ ‘સાંસ્કૃતિક ગરિમા અને શણગાર’ છે.
પરંતુ સોશિયલ મીડિયા પર ‘વેલિડેશન’ (લાઈક્સ, વ્યુઝ અને વાયરલ રીલ્સ) મેળવવાની હોડમાં કેટલાક લોકો આ ગરિમા ભૂલીને ચાચર ચોકને ‘ગ્લેમર શો’ કે ‘ફેશન રન-વે’ બનાવી રહ્યા છે. મા અંબાને રીઝવવાને બદલે જ્યારે કેમેરાને રીઝવવા માટે વસ્ત્રોની મર્યાદા ચૂકી જવાય, ત્યારે આપણે પોતે જ આપણા પર્વનું મૂલ્ય ઘટાડીએ છીએ. ‘શણગાર’ એ માતાજીના ઉત્સવનું ગૌરવ છે, જ્યારે દર્શનનો ભાવ ભૂલાય અને સોશિયલ મીડિયાના ‘પ્રદર્શન’ એ માત્ર ભક્તિનો વિરોધાભાસ છે.
૪. ભક્તિની સાથે રાષ્ટ્રભક્તિ અને સંસ્કાર જોડતા સમાજોનું ઉદાહરણ
ઉત્સવને મૂળ હેતુ સાથે કેવી રીતે જોડી રાખવો, તે શીખવું હોય તો સૌરાષ્ટ્રના ‘પ્રાચીન ગરબી મંડળો’ અને ક્ષત્રિય-ચારણ-લોક પરંપરાઓ તરફ નજર કરવી જોઈએ. રાજકોટ કે જામનગરની પ્રાચીન ગરબીઓમાં આજે પણ કોઈ ટિકિટ કે ગ્લેમર વગર નાની બાળાઓને મા જગદંબાનું સાક્ષાત્ સ્વરૂપ માનીને પૂજવામાં આવે છે. ત્યાં ગવાતા છંદ, તલવાર રાસ અને શૌર્ય ગીતોમાં શક્તિની ઉપાસનાની સાથે ‘રાષ્ટ્રભક્તિ’ અને ભારતમાતાના ગૌરવને વણી લેવામાં આવે છે.
જેમ લોકમાન્ય તિલકે સાર્વજનિક ગણેશોત્સવને સ્વરાજ્ય અને રાષ્ટ્રચેતનાનું માધ્યમ બનાવ્યું હતું, તેમ ગુજરાતના અનેક જાગૃત સમાજો, પોળના મંડળો અને આધ્યાત્મિક સંસ્થાઓ આજે પણ નવરાત્રીમાં વ્યસનમુક્તિ, રક્તદાન, સૈનિકોનું સન્માન અને સ્વયંસેવા (પોતાના હાથે મંડપ અને શણગારની સેવા) દ્વારા ઉત્સવને રાષ્ટ્રનિર્માણ, વ્યક્તિ ચારિત્ર્ય નિર્માણ સાથે જોડે છે. કેટલાય સમાજ અને સંપ્રદાયો આ તમામ દિવસો દરમિયાન આધ્યાત્મિક ભક્તિ, માતાને રિજવવાની સાધનાઓમાં જોડે છે, જે સાચી નવરાત્રીની આરાધના છે. જેનું આપણી સામેનું ઉદાહરણ એટલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાધના છે, જેઓ કોઈ પણ સંજોગો, માન પાન ના કાર્યક્રમો વચ્ચે પણ વર્ષોથી ફક્ત સજળ તપની સાધનામાં જોડાય છે.
મૂળ તરફ પાછા વળવાનો સમય
આપણે ન તો આપણી ઉદારતા છોડવાની છે, કે ન આપણી શ્રદ્ધા અને સંસ્કારની મર્યાદા:
> આયોજકોએ નફાખોરી છોડીને ઉપાસનાની પવિત્રતા જાળવવાનો વિવેક રાખવો પડશે.
> કલાકારોએ સૂરની વૈશ્વિકતાની સાથે મા જગદંબાની આરાધનાના ગૌરવનો વિવેક રાખવો પડશે.
> આપણે સૌએ નવરાત્રીને સોશિયલ મીડિયાના ‘વેલિડેશન’ અને ‘ગ્લેમર શો’થી ઉપર ઊઠીને પુનઃ વિશ્વને મલ્લા માતાના એ નિર્દોષ ભાવ, માંડવીના શણગારની સેવા, આરતીની પવિત્રતા અને રાષ્ટ્રભક્તિના સંસ્કાર તરફ પાછા વળવાનો વિવેક કેળવવો પડશે.
જ્યારે ‘શ્રદ્ધા’, ‘સેવા’ અને ‘વિવેક’ ભળે છે, ત્યારે જ ગરબાનું વર્તુળ ખરા અર્થમાં પૂર્ણ અને પવિત્ર બને છે.
જય માતાજી 👏👏